(UdaanNetwork.com) ઉડાન નેટવર્કની આ ખાસ રજુઆતમાં તમે 1980-90 ના દાયકામાં ગુજરાતમાં ક્રાઇમની દુનિયામાં હાહાકાર મચાવનાર ડોન લતીફના બાળપણથી લઇ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર સુધીની સમગ્ર કહાની વાંચી રહ્યા છો. ગત ભાગ-6 માં તમે વાંચ્યું હતું કે પોલીસની ધરપકડથી બચવા લતીફ દાઉદ ઇબ્રાહિમની સલાહ માની દુબઇ ચાલ્યો ગયો હતો. દુબઈમાં બેઠા બેઠા પણ લતીફે ઇન્ડિયામાં રહેતા પોતાના ખાસ માણસ રસુલ પટ્ટીની મદદથી રાજ્યસભાના પૂર્વ સભ્ય રૌફ વલીઉલ્લાહની હત્યા કરાવી. રૌફ વલીઉલ્લાહની હત્યા બાદ લતીફનો કેસ ગુજરાત પોલીસ પાસેથી લઈને CBI ને સોંપવામાં આવ્યો, જ્યાં CBI ના અધિકારી નીરજ કુમારના હાથમાં આ કેસ આવ્યો.

ઇતિહાસ એ લતીફ: કહાની ડોનની ભાગ-7

લતીફ થોડા સમય દુબઈ રહી દાઉદ ઇબ્રાહિમ સાથે પાકિસ્તાનના કરાંચીમાં ચાલ્યો ગયો. ત્યાં તેઓ સોના-ચાંદીના કુખ્યાત દાણચોર તૌફિક જલિયાંવાલાને ત્યાં રહેવા લાગ્યા. તૌફિક જલિયાંવાલા દાઉદ અને ટાઇગર મેમણનો દાણચોરીના ધંધાનો ભાગીદાર હતો. 1993 માં મુંબઈમાં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટની રૂપરેખા તૌફિક જલિયાંવાલાએ જ ઘડી હતી અને ત્યારબાદ આ કાવતરાને આખરી અંજામ પણ તેણે જ આપ્યો હતો.

મુંબઈમાં થયેલા એ સિરિયલ બ્લાસ્ટમાં લતીફનો પણ હાથ હતો. 9 જાન્યુઆરી, 1993 ના રોજ મહારાષ્ટ્રના દીધી બંદરે આ કાવતરા માટે આવેલ હથિયાર અને વિસ્ફોટકોનું પાર્સલ લતીફે જ સ્વીકાર્યું હતું. જે બાદમાં અન્ય કાવતરાખોરો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આ એ જ પાર્સલ હતું કે જેનું પગેરું આગળ જતાં ફિલ્મ અભિનેતા સંજય દત્ત સુધી પહોંચ્યું હતું અને જેના માટે તેને સજા ફટકારવામાં આવી હતી.

12 માર્ચ, 1993 ના રોજ બપોર પછી આખું મુંબઈ સિરિયલ બ્લાસ્ટના ધડાકાથી ગુંજી ઉઠ્યું હતું, આ દરમિયાન લતીફ અને દાઉદ ઇબ્રાહિમ કરાંચીમાં જ હતા. કરાંચીમાં જ તેઓએ આ આતંકી હુમલો થવાના સમાચારના અભિનંદન આ કાવતરાના માસ્ટર માઇન્ડને પાઠવ્યા હતા. ત્યારબાદ તે ઘણા સમય સુધી કરાંચીમાં  જ રહ્યો. ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી અને પોલીસ એવું જ માનતી હતી કે લતીફ પાકિસ્તાનના કરાંચીમાં સ્થાયી થઈ ગયો છે. પરંતુ એક દિવસ અચાનક જ ગુજરાત પોલીસની ATS ટીમને એક અગત્યની માહિતી મળી, જેનાથી પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીનો લતીફ કરાંચીમાં હોવાની આશંકા ખોટી પડી. (આગળનો ભાગ ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here