(UdaanNetwork.com) ઇતિહાસ એ લતીફ: કહાની ડોનની ઉડાન નેટવર્કની આ ખાસ રજુઆતમાં 1980-90 ના દાયકામાં ગુજરાતમાં ક્રાઇમની દુનિયામાં હાહાકાર મચાવનાર ડોન લતીફની બાળપણથી લઈને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર સુધીની સમગ્ર કહાની વાંચી રહ્યા છો. ગત ભાગ 11 માં તમે જોયું હતું કે સીબીઆઈ, ગુજરાત એટીએસ અને દિલ્હી પોલીસ દ્વારા મહામહેનતે લતીફને પકડી પાડવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે પહેલી જ ફ્લાઈટમાં લતીફને દિલ્હીથી અમદાવાદ લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું.

ઇતિહાસ એ લતીફ: કહાની ડોનની ભાગ-12

ગુજરાત ATS ના અધિકારીઓએ CBI ના અધિકારી નીરજ કુમારને સુરક્ષાના બંદોબસ્ત ખાતર અમદાવાદ તેમની સાથે આવવા જણાવ્યું. સીબીઆઈના અધિકારી નીરજ કુમાર અમદાવાદ આવવા માટે સહમત થયા. મોડી રાત થઈ ગઈ હતી. CBI તથા ગુજરાત ATS ના અધિકારીઓએ થોડી નીંદર કરી સવારે પોણા છ વાગ્યે દિલ્હી થી અમદાવાદ જતી ફ્લાઈટમાં અમદાવાદ જવા નીકળી ગયા.

નીરજ કુમાર તથા ગુજરાત ATS ની ટીમ લતીફને લઈને જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ત્યારે આ ટીમને આવકારવા માટે ગુજરાત પોલીસના તત્કાલીન સૌથી વરિષ્ઠ અધિકારી DGP એમ. કે. સિંહા ખુદ આવ્યા હતા. લતીફની ધરપકડ ગુજરાત પોલીસ માટે એક મોટી સફળતા હતી. DGP સિંહાએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા અને ગળે ભેટી પડ્યા. બાદમાં લતીફને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેર તરફ લઈ જવામાં આવ્યો.

CBI ના અધિકારી નીરજ કુમાર અને ગુજરાત ATS ની ટીમ અમદાવાદ પહોંચ્યાની બે કલાક બાદ DGP દ્વારા એક પ્રેસ કોંફરન્સ કરવામાં આવી. જેમાં લતીફની ધરપકડના સમાચાર અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યા. બીજા દિવસે સવારે સમાચાર પત્રોમાં પહેલા પેજ પર લતીફની ધરપકડના સમાચાર છપાઇ ગયા. CBI ના અધિકારી નીરજ કુમારને ગુજરાતના ખાસ મહેમાનોને જે સર્કિટ હાઉસમાં ઉતારો આપવામાં આવે છે ત્યાં તેઓને રાત્રી રોકાણની વ્યવસ્થા કરી આપવામાં આવી. બીજા દિવસે સીબીઆઈના અધિકારી નીરજ કુમારને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે મળવા બોલાવ્યા. કેશુબાપાની સાદગી જોઈને સીબીઆઈના અધિકારી નીરજ કુમારને જે અનુભવ થયો તે એના જ શબ્દોમાં વાંચો.

કેશુભાઈ પટેલ સાથે થયેલ અનુભવ સીબીઆઈ અધિકારીને નિરજકુમારના શબ્દોમાં

કેશુભાઈ પટેલના આમંત્રણને માન આપીને હું તથા ગુજરાત ATS ના અધિકારી કુલદીપ શર્મા તેમની ઓફીસે ગયા. અમને જોઈને તેઓ તરત જ ખુરશી પરથી ઉભા થઇ ગયા અને બે હાથ જોડી અમારો આભાર માનવા લાગ્યા. તેમણે કહ્યું, “ડીઆઈજી સાહેબ તમે ગુજરાત માટે જે કર્યું તેનું ઋણ અમે ક્યારેય નહી ચૂકવી શકીએ.” હું તેમની વિનમ્રતા અને ઈમાનદારીથી પ્રભાવિત થઈ ગયો.

આમ, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની વિનમ્રતા, ઈમાનદારી અને સાદગીથી પ્રભાવિત થઈ સીબીઆઈના અધિકારી નીરજ કુમારે ઉપર મુજબના શબ્દો પોતાની બુકમાં લખ્યા હતા. એક સમય લોકોના દિલમાં મસીહા ગણાતો લતીફ કે જેલમાં બેઠા બેઠા પણ પાંચ જગ્યાએથી કોર્પોરેટરની ચૂંટણી જીત્યો હતો તે હવે લોકોના મન એક રીઢો ગુનેગાર થઈ ગયો હતો. જેનો જવાબ અમદાવાદની જનતાએ તેને આપ્યો હતો. કેવી રીતે એ આગળના ભાગમાં વાંચશો. (આગળનો ભાગ ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here