(UdaanNetwork.com) ગાંધીજી પર નથુરામ ગોડસે દ્વારા જ્યારે ગોળી ચલાવીને હત્યા કરવામાં આવી હતી તે ઘટનાને નજરે જોનાર ઓલ ઇન્ડિયા રેડીયોના પૂર્વ કર્મચારી કે. ડી. મદાને વરિષ્ઠ પત્રકાર વિવેક શુકલાને કરેલ વાત આજના આ આર્ટિકલમાં લખવામાં આવી છે.

કે. ડી. મદાને વરિષ્ઠ પત્રકાર વિવેક શુકલાને કરેલ વાત

30 જાન્યુઆરી, 1948 નો એ દિવસ હતો. હું દરરોજની જેમ આકાશવાણી ભવનથી અલબુકર્ક રોડ (હાલ 30 જાન્યુઆરી માર્ગ) પર આવેલ બિરલા હાઉસ (હાલ ગાંધીસ્મૃતિ ભવન) જવા માટે નીકળ્યો. લગભગ સાડા ત્રણ વાગ્યાનો સમય થયો હશે. હું ત્યાં મહાત્મા ગાંધીની પ્રાર્થના સભાના રેકોર્ડિંગ માટે જતો હતો. સભા સાંજના પાંચથી છ વાગ્યા સુધી ચાલતી હતી.

પ્રાર્થના સભાના અંતમાં ગાંધીજી તત્કાલીન વિષયો પર ચર્ચા કરતા. આ દરમિયાન લોકો વચ્ચે-વચ્ચે ગાંધીજીને સવાલ પૂછતાં અને ગાંધીજી તેઓને જવાબ આપતા. ગાંધીજીએ સપ્ટેમ્બર, 1947 થી બિરલા હાઉસમાં પ્રાર્થના સભા કરવાનું શરૂ કર્યું હતું.

હું સભાનું રેકોર્ડિંગ કરતો અને પછી તે રેકોર્ડિંગને ઓફીસ પર પહોંચાડતો. જેનું તે દિવસે સાંજે સાડા આઠ વાગ્યે રેડિયો પર પ્રસારણ કરવામાં આવતું હતું. હું તે દિવસે વહેલા બિરલા હાઉસ પહોંચી ગયો. પ્રાર્થના સભામાં ભાગ લેનાર લોકો આવવા લાગ્યા હતા.

હું મારા રેકોર્ડિંગના મશીનને ગાંધીજીના સ્ટેજ નજીક રાખી દેતો. હંમેશની જેમ અહીં પહેલાં આવનાર વ્યક્તિ નંદલાલ મહેતા હતા. તેઓ ગુજરાતી હતા અને દિલ્હીમાં કનોટ પેલેસમાં રહેતા હતા. સાડા ચાર વાગ્યા સુધીમાં પ્રાર્થના સભા સ્થળ ખીચોખીચ ભરાઈ ગયું હતું. ગાંધીજીનું માર્ગદર્શક મેળવવા, સલાહ લેવા કે ગાંધીજીને જોવા માટે દેશ-વિદેશથી, જુદા-જુદા રાજ્યોમાંથી અનેક લોકો આવ્યા હતા.

ગાંધીજીને મોતનો આભાસ પહેલા જ થઈ ગયો હતો

મે આ દરમિયાન સરદાર પટેલને બિરલા હાઉસની અંદર આવતા જોયા. તેઓ મહાત્મા ગાંધીજીને મળવા માટે આવ્યા હતા. રોજની જેમ ગાંધીજી પ્રાર્થના સભા તરફ આવી રહ્યા હતા ત્યારે કાઠિયાવાડથી આવેલા બે વ્યક્તિએ ગાંધીજીને રોક્યા અને મળવા માટે સમય માંગ્યો. કહેવામાં આવે છે કે ગાંધીજીએ તેમને કહ્યું હતું કે, જો જીવતો રહીશ તો પ્રાર્થના પછી તેઓને મળીશ. એ વાત પછી મને અમુક લોકોએ કહી હતી કે તે દિવસે ગાંધીજીએ બે થી ત્રણ વખત પોતાના મોતની વાત કરી હતી.

મને એ ઘટના સારી રીતે યાદ છે જ્યારે નથુરામ ગોડસેએ ગાંધીજી પર ગોળી ચલાવી હતી. જ્યારે બિરલા હાઉસમાંથી ગાંધીજી પ્રાર્થના સભા માટે નીકળ્યા ત્યારે મારી ઘડિયાળ મુજબ સાંજના 5:16 નો સમય થયો હતો.

ગોડસેએ ગાંધીજીને ગોળી મારી

જો કે એવું માનવામાં આવે છે કે ગાંધીજી પર નથુરામ ગોડસે દ્વારા જ્યારે ગોળી ચલાવવામાં આવી ત્યારે સાંજના 5:17 નો સમય થયો હતો. સામાન્ય રીતે ગાંધીજી હંમેશા સાંજના 5:10 ના સમયે પ્રાર્થના માટે આવી જતા પરંતુ તે દિવસે તેમને થોડું મોડું થયું હતું.

ગાંધીજીની ઉંમર અને નાજુક સ્વાસ્થ્યના કારણે તેઓ મનુબેન અને આભાના સહારે પ્રાર્થના સભામાં આવતા. તે દિવસે પણ મનુબેન અને આભાના સહારે ગાંધીજી પ્રાર્થના સભામાં આવતા હતા.

અચાનક ગોળી ચલાવવાનો અવાજ આવ્યો. મને લાગ્યું કે દસ દિવસ પહેલા જે નાનો બૉમ્બ વિસ્ફોટ થયો હતો તેવું કઈક થયું હશે. (ગાંધીજીની હત્યાના દસ દિવસ પહેલા ગાંધીજીને નુકસાન પહોંચાડવાના હેતુથી મદન લાલ પહલા નામના વ્યક્તિએ બૉમ્બ ફોડ્યો હતો પરંતુ ગાંધીજી બચી ગયા હતા.) હું તેવા જ વહેમમાં હતો ત્યાં ફરી ગોળી ચલાવવાનો અવાજ આવ્યો. હું દોડીને એ ટોળા તરફ ગયો.

ત્યાં જ ત્રીજી ગોળી ચલાવવામાં આવી, જે મે મારી નજરે જોયુ. પાછળથી ખબર પડી કે ગોળી ચલાવનાર નથુરામ ગોડસે હતો. તેણે ખાખી કલરના કપડા પહેર્યા હતા. ત્રીજી ગોળી ચલાવ્યા બાદ નથુરામ ગોડસેએ ગાંધીજીને હાથ જોડ્યા. મે સાંભળ્યું હતું કે પહેલી ગોળી ચલાવીને પણ નથુરામ ગોડસેએ ગાંધીજી સામે હાથ જોડ્યા હતા.

બાદમાં નથુરામ ગોડસેને ત્યાં હાજર ટોળાએ પકડી લીધો. નથુરામ ગોડસેએ જરા પર વિરોધ ન કર્યો અને પોતાના હાથમાં જે બંદૂક હતી તે પણ મુકી દીધી. બાદમાં પાર્લામેન્ટરી સ્ટ્રીટ પોલીસે નથુરામ ગોડસેને પોતાના કબ્જામાં લઇ લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here