(www.UdaanNetwork.com) ઉડાન નેટવર્કને: સફળતાની કહાની- આજના સમયમાં ઓનલાઈન રૂપિયાની ચુકવણી કરવાનું થાય એટલે મોટા ભાગના વ્યક્તિના મોઢામાંથી એક જ શબ્દ નીકળે “Paytm કરી દે” અને નોટબંધી થયા બાદ તો આ શબ્દનો ઉલ્લેખ ખૂબ વધી ગયો છે.

આજના આ લેખમાં તમે વાંચશો એ વ્યક્તિ વિશે કે જેણે તમારી ઓનલાઈન રૂપિયા ચુકવવાની માથાકૂટને ખૂબ સરળ બનાવી દીધી. આ વ્યક્તિ એટલે વિજય શેખર શર્મા કે જેણે પોતાના મજબૂત મનોબળ થકી આજે 20 હજાર કરોડની ‘Paytm’ કંપની ઉભી કરી દીધી છે.

વિજય શેખર શર્મા એક સામાન્ય પરિવારમાં જન્મેલ હતા. તેમણે એક એક રૂપિયાની કિંમત સમજી મહેનત, લગન અને ધૈર્યથી કરોડો રૂપિયાની કંપની બનાવી.

ઉત્તર પ્રદેશના એક નાનકડા શહેર અલીગઢમાંથી આવેલ વિજય શેખર શર્માએ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો. પોતાનો પ્રાથમિક અભ્યાસ હિન્દી માધ્યમમાં કર્યો હોવાથી ઉચ્ચ અભ્યાસ અંગ્રેજીમાં કરવા પર તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો. તેઓ જ્યારે દિલ્હી કોજેલ ઓફ એન્જીનીયરીંગમાં પોતાનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે પહોંચ્યા, ત્યારે સમગ્ર અભ્યાસક્રમ અંગ્રેજીમાં હોવાને કારણે ત્યાં ભણવામાં તેમનું મન ના લાગ્યું.

શાળામાં ટોપર રહેતા વિજય શેખર કોલેજમાં એક કમજોર વિદ્યાર્થી બની ગયા હતા અને આખરે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે વિજય શેખર શર્માએ કોલેજ જવાનું બંધ કરી દીધું.

કોલેજ જવાનું તો બંધ કરી દીધું હતું પરંતુ તેઓએ પોતાની અંગ્રેજી ભાષા સુધારવાનું નક્કી કર્યું અને આ માટે તેઓએ અંગ્રેજી ભાષાના અનેક પુસ્તકો વાંચ્યા અને થોડા માહિનાઓની મહેનત બાદ તેઓ અંગ્રેજી ભાષામાં પારંગત થઈ ગયા.

ભણવામાંથી મન હટયું તો તેઓએ બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. વિજય શેખર શર્મા પણ એક દિવસ એક મોટી કંપનીના માલિક બનવાનું સપનું જોવા લાગ્યા. HotMail ના સ્થાપક સબીર ભાટિયા અને Yahoo ના સ્થાપક જેરી યંગ અને ડેવિડ ફેલોને તેઓએ પોતાના આદર્શ બનાવ્યા.

શરૂઆતમાં વિજય શેખરે પોતાના મિત્રો સાથે મળીને કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટન બનાવી. આ સિસ્ટમનો આજે ઇન્ડિયન એક્સપ્રેસ જેવા મોટા ન્યુઝ પબ્લિકેશનો ઉપયોગ કરે છે. બાદમાં વિજય શેખરે નોકરી કરવાનું શરૂ કર્યું.

મનમાં રહેલા બિઝનેસ કરવાના સંકલ્પને કારણે તેઓએ લાંબા સમય સુધી નોકરી કરી નહિ. થોડા મહિનાઓ બાદ તેમણે નોકરી છોડી એક કંપની શરૂ કરી. પરંતુ કોમર્સ ક્ષેત્રના વધુ અનુભવ ન હોવાને કારણે તેમની કંપની નુકસાનીમાં આવી ગઈ અને એક સમયે તો વિજય શેખર શર્માને ખાવાના પણ ફાફા પડવા લાગ્યા.

આર્થિક પરિસ્થિતિમાં થોડો સુધારો થતા તેમને One- 97 નામની એક કંપનીની સ્થપાના કરી. આ કંપની ધીરે ધીરે આગળ વધવા લાગી અને આજે આ One- 97 કંપની જ Paytm ની માતૃક કંપની છે.

વિજય શેખર શર્માએ વર્ષ 2010 માં Paytm એપ્લિકેશન લોન્ચ કર્યું. Paytm નું પૂરું નામ છે Pay Through Mobile- મોબાઈલ દ્વારા ચુકવણી. શરૂઆતમાં Paytm નો ઉપયોગ માત્ર બિલ ભરપાઈ કરવા માટે થતો. પરંતુ હવે આજે તેનો ઉપયોગ ઓનલાઇન શોપિંગ અને ઇ-વોલેટ તરીકે પણ થાય છે.

Paytm શરૂ થવાની કહાની પણ ખૂબ રસપ્રદ છે. કરિયાણાના સામાન વાળાને અને ઓટો રીક્ષા વાળાને છુટ્ટા રૂપિયા આપવા માટે થયેલી સમસ્યાએ વિજય શેખર શર્માને Paytm શરૂ કરવા માટે પ્રેરિત કર્યા. બાદમાં નોટબંધી બાદ Paytm ના ઉપયોગમાં બહોળો વધારો થયો.

થોડા રૂપિયાથી શરૂ થયેલી કંપની આજે 20,000 કરોડથી પણ વધારે વેલ્યુ ધરાવે છે. હજારો લોકો આ કંપનીમાં નોકરી કરે છે. વિજય શેખર શર્માની અથાક મહેનત, ધૈર્ય અને ઝનૂનના કારણે આજે આ કંપની આસમાનની ઊંચાઈએ પહોચી છે.

આ લેખ તમે ઉડાન નેટવર્કના માધ્યમથી વાંચી રહ્યા છો. આવા જ અન્ય પ્રેરણાત્મક લેખ વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન નેટવર્કને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here