(www.UdaanNetwork.com) ઉડાન નેટવર્ક ન્યુઝ: ગત રોજ પશ્ચિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા મુદ્દે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજ રોજ પ્રેસ કોંફરન્સ યોજી હતી.

પ્રેસ કોંફરન્સ દરમિયાન અમિત શાહે ગત રોજ કોલકતામાં પોતાની રેલીમાં થેયલી હિંસા પાછળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને કારણભૂત જણાવ્યા હતા. અમિત શાહે પત્રકારો સામે ત્રણ ફોટોગ્રાફ પુરાવા સ્વરૂપે રજૂ કર્યા હતા અને સવાલ ઉઠાવ્યો હતો કે બંધ રૂમમાં રહેલી વિદ્યાસાગરજીની મૂર્તિને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કેવી રીતે તોડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કોલકાતામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા અને તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો.

બાદમાં એબીવીપી અને ટીએમસી વિદ્યાર્થી પરિષદના કાર્યકરો વચ્ચે મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને અનેક વાહોનોમાં તોડફોડ અને આગ લગાડવાની ઘટનાઓ બની હતી. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ઘટનાને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

આ મામલે અમિત શાહે પ્રેસ કોંફરન્સમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં લોકશાહીનું ગળું દબાવાઈ રહ્યું છે. ગઈ કાલે કોલકતામાં ભાજપની રેલી હતી. રેલીના ત્રણ કલાક પહેલા જ ભાજપ દ્વારા લાગવાયેલા પોસ્ટરને પોલીસ દ્વારા ઉતારી લેવાયા હતા. પોલીસને અગાઉથી જ આ પ્રકારની ઘટના બનશે તેવી જાણ હોવા છતાં પણ પોલીસે પૂરતી સુરક્ષા પર ધ્યાન ન આપ્યું.

ઉપરાંત અમિત શાહે ફોટોગ્રાફ મીડિયાને દર્શાવ્યા હતા. જેમાં તેઓએ કેવી રીતે બચ્યા તે દર્શાવ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, જો સીઆરપીએફ ન હોત તો કદાચ હું બચી શક્યો ના હોત.

આ ઉપરાંત અન્ય એક ફોટોગ્રાફ દર્શાવી અમિત શાહે કહ્યું હતું કે, જે રૂમમાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ રાખવામાં આવી હતી તે રૂમ બંધ છે, તો પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મૂર્તિ કઈ રીતે તોડવામાં આવે. આ મૂર્તિ તોડવા પાછળ ટીએમસીના કાર્યકરોનો હાથ છે.

ચૂંટણી પંચ અને મમતા બેનરજી પર આરોપ લગાવતા અમિત શાહે કહ્યું હતું કે, પશ્વિમ બંગાળમાં મમતા બેનરજી હાર ભાળી ગયા છે તેથી તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલો કરાવી રહ્યા છે. ગત છેલ્લા છ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલા થયા છે.

પશ્ચિમ બંગાળના ચૂંટણી પંચ પર આરોપ લગાવતા અમિત શાહે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ મુકપ્રેક્ષક બનીને બેઠું છે. હિસ્ટ્રી ચીટરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તેઓની ધરપકડ કરાઈ નથી. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ બેવડી નીતિ અપનાવી રહ્યું છે.

ઉપરાંત અમિત શાહે કહ્યું હતું કે, મમતા બેનરજી ગમે તેટલી હિંસા કરે પરંતુ અમે શાંતિથી કામ કરીશું. મમતા બેનરજી જેટલું કીચડ ઉછાળશે તેટલું કમળ ખીલશે. મમતા બેનરજી મારા પર એફઆઇઆર કરાવવા માંગે છે, પણ હું એફઆઈઆરથી ડરવાનો નથી.

આ ઉપરાંત અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતશે જેવી આશા વ્યક્ત કરી હતી.

નિયમિત રીતે ન્યુઝ મેળવવા માટે લાઈક કરો ઉડાન નેટવર્ક ફેસબુક પેજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here